ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 6 જિલ્લામાં હવે મળશે 10 કલાક વીજળી
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને પ્રવક્તા મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રવિ સિઝનના વાવેતરને ધ્યાને રાખીને આજે કેબિનેટ બેઠકમાં વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.
નિર્ણય અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં રવિ સિઝન દરમિયાન જીરાનું પુષ્કળ વાવેતર થાય છે. જીરાના વાવેતર વાળા વિસ્તારોમાં ખેડૂતોને પિયત માટે આવતીકાલ તા. ૨૦ નવેમ્બર-૨૦૨૫થી જ ખેતીવાડી ફીડરોમાં ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજ પુરવઠો પૂરો પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જીરાના વાવેતર વિસ્તારોમાં સિંચાઇ માટે વીજ પુરવઠો વધારે આપવા માટે રાજ્યના જનપ્રતિનિધિશ્રીઓ તથા અનેક ખેડૂતો તરફથી મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતોને હકારાત્મક વાચા આપતા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામા આવ્યો છે. જેનો આશરે ૧,૦૯૦ ગામોના ૪૯,૦૦૦થી વધુ ખેતીવાડી ગ્રાહકોને લાભ મળશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, જીરાનું વધુ વાવેતર ધરાવતા અમદાવાદના વિરમગામ અને માંડલ, મહેસાણાના બેચરાજી, પાટણના સમી, હારીજ, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર, સુરેન્દ્રનગરના લખતર અને દસાડા, વાવ-થરાદના સુઇગામ અને વાવ તેમજ મોરબી જિલ્લાના હળવદ તાલુકાને રાજ્ય સરકારના આ નિર્ણયથી વધુ વીજ પુરવઠો મળશે.
આ ઉપરાંત દાહોદ જિલ્લાના દાહોદ અને ગરબાડા તાલુકાઓમાં પણ રવિ સિઝન માટે ૮ કલાકના બદલે ૧૨ કલાક વીજ પુરવઠો પૂરો પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના આ બંને તાલુકાના ૧૯૧ ગામોના ૯,૭૫૮ ખેડૂતોને લાભ મળશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

Comments
Post a Comment