PM Kisan 21th Installment: ₹2000 Release Update for Farmers
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલ તા. ૧૯ નવેમ્બરના રોજ તામીલનાડુના કોઇમ્બતુર ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના”નો ૨૧મો હપ્તો રિલીઝ કરશે. આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાનશ્રી દેશના ખેડૂતો સાથે સંવાદ કરીને વિશેષ સંબોધન કરશે. જે અનુસંધાને ગાંધીનગર ખાતે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને કૃષિ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે.
આ સંદર્ભે વિગતો આપતા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પીએમ કિસાન યોજનાના ૨૧માં હપ્તા પેટે સમગ્ર દેશના ૯ કરોડથી વધુ ખેડૂતોને રૂ. ૧૮,૦૦૦ કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવશે. જે પૈકી ગુજરાતના આશરે ૪૯.૩૧ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૯૮૬ કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.
આ સમારોહમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓ ઉપરાંત વિવિધ કૃષિ અને બાગાયત યોજનાના લાભાર્થી ખેડૂતોને પણ સહાય-મંજૂરી પત્રોનું વિઅતરણ કરવામાં આવશે.
રાજ્ય કક્ષાના કાર્યક્રમ ઉપરાંત દરેક ICAR, કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીઓ, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરીને વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં વિવિધ પદાધિકારી-અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ-કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ભારતના કુલ ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને ૨૦ હપ્તાના માધ્યમથી કુલ ૩,૯૧,૦૦૦ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. જે અન્વયે ગુજરાતના લાભાર્થી ખેડૂત પરિવારોને પણ ૨૦ હપ્તાના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ રૂ. ૨૧,૦૮૬ કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે.

Comments
Post a Comment